!! તલાશ !! (એક મિલન કહાની) = “શ્રીપતિ”

 

Image

 !!  તલાશ !!

(એક મિલન કહાની)

 

= “શ્રીપતિ”

               પ્રણય કથાઓના લેખક “શ્રીપતિ “ ને એક દિવસ એક કવર મળ્યું. તેમણે કવર ખોલીને જોયું તો તેમના કોઈ વાચક મિત્રએ એક વાર્તાનું કથાબીજ મોકલ્યું હતું. ‘શ્રીપતિ’એ કવર ખોલીને વાર્તા વાંચવાની શરુ કરી. વાર્તા આ મુજબ હતી.

              “મોનિકાને શિખર આમ તો બાળપણના મિત્રો હતા અને પડોશી પણ ખરા. મોનિકાના પિતા હસમુખભાઈ આર્મીમાં હતા. આજથી બાર વરસ પહેલા અમદાવાદ પાસેના વડસર એરફોર્સ કેમ્પ ખાતે તેમનું પોસ્ટિંગ થયું હતું. તેઓ ફેમીલી સાથે અમદાવાદ ચાંદલોડિયામાં સ્થિર થયા. ચાંદલોડિયાના શીવકેદાર ફ્લેટમાં તેમણે મહાન રાખ્યું હતું.  તેઓ જયારે અહી રહેવા આવ્યા ત્યારે પહેલી જ ઓળખાણ પડોશી તરીકે અને પોતાની જ જ્ઞાતિના લોકો તરીકે શિખરની મમ્મી સાથે થઇ હતી. મોનિકાની મમ્મીએ શિખરની મમ્મીને મોનિકા માટે નજીકની કોઈ સારી સ્કુલ વિશે પૂછ્યું હતું. શિખરની મમ્મીએ તેમને શિખર જે સ્કુલમાં ભણતો હતો તે દુર્ગેશ પ્રા.શાળાનું નામ જણાવ્યું અને કહ્યું, મારો શિખર પણ તેજ સ્કુલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. બસ મોનિકાનું પણ એ જ સ્કુલમાં એડમિશન થઇ ગયું. બીજા દિવસથી શિખરને સ્કુલે જવા માટે મોનિકાની કંપની મળી ગઈ. બંને સાથે જ સ્કુલ જતા અને આવતા. બંને મિત્રો બની ગયા. ત્યારથી માંડીને આજ સુધી તેઓ મિત્રો જ રહ્યા. અને આજે બંને જણ એલ.ડી.આર્ટસ કોલેજમાં બી.એ.ના છેલ્લા વરસમાં સાથે ભણતા હતા. આજે બંને જણ શિખરની બાઈક પર સાથે જ કોલેજ જાય છે અને આવે છે. ઘણીવાર તેઓ રસ્તામાં આવતા ગજરાજેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતા. આમ પણ શિખરનો અહી આવવાનો નિત્યક્રમ હતો. તેમાં મોનિકા પણ સાથે હોતી. કોઈએ સાચુજ કહ્યું છે કે, “બાળપણની મિત્રતા એ યુવાનીના પ્રણયનું પ્રવેશ દ્વાર છે.” બારમું ધોરણ પૂરું કરીને કોલેજના પ્રથમ વરસમાં આવ્યા ત્યારથી જ શિખર મોનિકા તરફ આકર્ષાવા લાગ્યો હતો. પણ તે મોનિકાને કહી શકતો ન હતો. એ ડરતો હતો કે ક્યાંક પ્રેમનો એકરાર કરવા જતા બાળપણની મિત્ર ગુમાવવાનો વારો આવે તો ! તેણે પોતાની લાગણીઓ મનમાં જ દબાવી રાખી. એમ કરતા બે વરસ પસાર થઇ ગયા.

               હવે કોલેજનું છેલ્લું વરસ હતું. બંનેને સાથે આવવા જવાની છેલ્લી તક. કોલેજ પૂરી થયા પછી બંને આવી રીતે સાથે હરી ફરી શકવાના ન હતા. શિખરને હમેશાં મોનીકાથી છુટા પડી જવાનો ડર રહેતો. એક દિવસ કોલેજમાં મોનિકાના વિચારોમાં ખોવાયેલા શિખરને તેના મિત્ર રજતે જોઈ લીધો. તેણે આવીને શિખરને ઢંઢોળ્યો, “કોના વિચારોમાં ખોવાયા છો ભાઈ !” રજત શિખરનો વિશ્વાસુ મિત્ર હતો. શિખરને રજત પાસે સલાહ લેવાનું યોગ્ય લાગ્યું. તેણે રજતને પોતાની પાસે બેસાડી પોતાના મનની બધી જ મુંઝવણ કહી નાખી. અને મોનિકાને પોતાની લાગણી કેમ કરી વ્યક્ત કરવી તેનો ઉપાય બતાવવા કહ્યું. રજતે શિખરને પૂછ્યું, “શું તને મોનિકાના મનની ખબર છે, કે તેના મનમાં તારા માટે શું છે ?” “આવો તો મને કોઈ અંદાજ નથી, પણ હા એ મને પસંદ કરતી હોય એવું મને લાગે છે કેમકે તે હમેશા બીજા આગળ મારા સારા વ્યક્તિ તરીકે વખાણ કરતી હોય છે.” શિખરે જવાબ આપ્યો. રજતે શિખરને કહ્યું, “જો શિખર તું અને મોનિકા બાળપણના મિત્રો છો. અને એ તને સારી રીતે ઓળખે છે. તું બસ એકવાર હિમત કરીને તારા મનની વાત એને કહી દે, પછી જો તેને ના ગમે તો મિત્ર તરીકે સોરી કહીને મનાવી લેજે.” શિખરે કહ્યું, “મને ડર છે રજત, ક્યાંક તેનો પ્રેમ મેળવવા જતા તેની મિત્રતા ન ગુમાવી બેસું !” હવે બંને મોનિકાને શિખરના મનની વાત કેમ કરવી તેનો ઉપાય શોધવા લાગ્યા. અચાનક રજતને એક આઈડિયા આવ્યો. તેણે શિખરને કહ્યું, “જો યાર કોઈ પણ છોકરી હોય તેને ગીફ્ટ હમેશા ગમતી હોય છે, તું પણ તેને કોઈ સરસ ગીફ્ટ આપીને તારા મનની વાત કરી નાખ.” શિખરે કહ્યું, “યાર રજત ફેસ તું ફેસ કહેવાની મારી હિંમત નહી ચાલે, તું બીજો કોઈ રસ્તો બતાવ પ્લીઝ.” રજતે કહ્યું, “એનો પણ ઉપાય છે મારી પાસે, થોડા દિવસ પછી વેલેન્ટાઇન ડે આવે છે.  આ દિવસે કોઈ છોકરી કોઈ છોકરાને ના નહી ખે તું બસ આ દિવસની તક ઝડપી લે.” બસ પછી બંને જને વેલેન્ટીન દેને લઈને એક પ્લાન બનાવ્યો અને તે દિવસની રાહ જોવા લાગ્યા.

               વેલેન્ટીન ડેના દિવસે શિખરે બજારમાંથી એક સરસ મજાની ગીફ્ટ ખરીદી અને તેની સાથે એક ગ્રીટિંગકાર્ડ લીધું જેની અંદરનું લખાણ શિખરના પ્રેમને વાચા આપતું હતું. આ ગીફ્ટની સાથે શિખરે એક લેટર પણ મુક્યો જેમા લખ્યું હતું,

“મોનિકા આઈ લવ યુ, હું જાણું છું કે કદાચ આ મારી પ્રેમ વ્યક્ત કરવાની સાચી રીત નથી. પણ શું કરું મને તારી રૂબરૂ કહેતાની હિંમત નથી. એટલે આ રીતે મારું નામ આપ્યા વગર મારા પ્રેમનો ઈકરાર કરું છું. હું તારા માટે અજાણ્યો નથી. કદાચ આટલી વાતમાં જ તું મને ઓળખી જઇશ. જો તને મારો પ્રસ્તાવ કબુલ હોય તો આજે સાંજે છ વાગે આપણા ગજરાજેશ્વ્રર મહાદેવના મંદિરે હું તારી રાહ જોઇશ. તું આવીશ તો હું માનીશ કે તને મારો પ્રેમ કબુલ છે, અને નહી આવીશ તો હું માનીશ કે તું મારા નસીબમાં નથી.”

 = અનામી.

                આ મુજબ પ્લાનીંગ કરીને શિખર મોનિકાના ઘરની નજીક તેના મમ્મી-પપ્પાના બહાર જવાની રાહ જોવા લાગ્યો. થોડીવાર થઈને મોનિકાનામમ્મી-પપ્પા બહાર જવા માટે નીકળ્યા. આ તક જોઈને શિખરે પોતાની ગીફ્ટ મોનિકાના ફ્લેટના બંધ દરવાજાની બહાર મુકીને ડૂર બેલ વગાડી મોનિકા દરવાજો ખોલે તે પહેલા ત્યાંથી નીચે ઉતરી ગયો. મોનિકા એ દરવાજો ખોલ્યો તો બહાર કોઈ ન હતું, પણ દરવાજા બહાર એક ગીફ્ટ પડી હતી. તેની નવાઈનો પર ના રહ્યો. તેણે ગીફ્ટ હાથમાં લીધી. તેણે ખોલીને તેની અંદરનો લેટર વાંચવા લાગી. એટલામાં જ બહાર જવા નીચે ઉતરેલા મોનિકાના પપ્પા પોતાનો ભૂલાઈ ગયેલો મોબાઈલ લેવા પાછા ઉપર ઘરે આવ્યા. ત્યારે મોનિકાના હાથમાં ગીફ્ટ અને પેલો લેટર જોઈને તેમના ગુસ્સાનો પર ના રહ્યો. તેમણે મોનિકાના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. મોનિકાએ તેના પપ્પાને પોતાની નિર્દોષતા સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ તેઓ મોનોકાની કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન હતા. તે મોનિકાને ઠપકો આપી રહ્યા હતા, “નાલાયક, અમારા પ્રેમ અને વિશ્વાસનો તે આ બદલો આપ્યો. આ બધું કરવા માટે તું કોલેજ જાય છે ! કાલથી તારૂ કોલેજ જવાનું બંધ.” આ બધી તકરાર ચાલુ હતી ત્યાં મોનિકાના પપ્પાને કેમ વાર લાગી તેમ વિચારી નીચેથી તેના મમ્મી પણ ઉપર પાછા આવ્યા. તેમણે મોનિકાને તેના પપ્પા પાસેથી છોડાવી અને મોનિકાના પપ્પાને શાંત કર્યા. પછી તેમણે પેલો લેટર વાંચ્યો. તેમણે મોનિકાને પૂછ્યું, “ આ કોણ છે ?” મોનિકાએ રડતા મુખે જવાબ આપ્યો, “મમ્મી ખરેખર મને કશી જ ખબર નથી.” હું તો કોઈને ઓળખતી પણ નથી. મોનિકાની મમ્મીને મોનિકાનો વિશ્વાસ થયો. તેમણે સાંજે ગજરાજેશ્વારના મંદિર જઈને આ છોકરાને રૂબરૂ જ પકડવાનું નક્કી કર્યું.

              આ બધી પરિસ્થિતિ અજાણ શિખરને એ આખો દિવસ ચેન ના પડ્યું. તે તો સાંજે પાંચ વાગે જ ગજરાજેશ્વર મહાદેવના મંદિરે પહોચી મોનિકાના આવવાની રાહ જોવા લાગ્યો. લગભગ સવા છ થવા આવ્યા. શિખરની ધીરજની કસોટી થઇ રહી હતી. શિખરની નજર મંદિરના મુખ્ય દરવાજા પર જ મંડાયેલી હતી. ત્યાંજ મોનિકાએ પ્રવેશ કર્યો. તેને જોઈને શિખરની ખુશીનો પાર ના રહ્યો. પણ તેનો આ આનંદ જાઝો સમય ટક્યો નહી. બીજી જ ક્ષણે તેણે મોનિકાની પાછળ તેના મમ્મી-પપ્પાને આવતા જોયા. ત્રણેયના ચહેરા ગંભીર અને ગુસ્સામાં હતા. શિખર સમજી ગયો કે કંઇક ગડબડ થઇ લાગે છે. નહિતર મોનિકા તેના મમ્મી-પપ્પા સાથે ના આવે. તે ધીમે રહીને મંદિરના પાછલા દરવાજેથી બહાર નીકળી ગયો. મોનિકા અને તેના મમ્મી-પપ્પા મંદિરના ઓટલા પર બેઠા. થોડીવાર પછી શિખર જાણે હમણાં જ મંદિરમાં આવતો હોય તેમ મંદિરમાં પ્રવેશ્યો. અને મોનિકાના મમ્મી-પપ્પા જ્યાં બેઠા હતા ત્યાજ તેમની પાસે ગયો. મોનિકાના મમ્મી-પપ્પા તેને નાનપણથી જ ઓળખાતા હતા એટલે તેમને શિખર પર સહેજે વ્હેમ ના ગયો. મોનિકા પણ શિખર પર વહેમાય તેમ ન હતી. શિખરે પાસે જઈને મોનિકાના મમ્મી-પપ્પાને પૂછ્યું, “શું વાત છે, આજે આખો પરિવાર ફરવા નીકળ્યો છે !” મોનિકાના મમ્મીએ આ બાબતમાં મદદ માટે શિખરને આખી હકીકત કહી સંભળાવી અને કહ્યું, “અમારે તે નાલાયક છોકરાને પકડવો છે. શું તને તમારી કોલેજના કોઈ છોકરા પર શંકા છે જે આવું કરી શકે !” શિખરે માત્ર માથું હલાવીને ના કહી. થોડીવાર શિખર પણ ત્યાં એમની પાસે રોકાયો. આખરે એક કલાક પછી બધા વિખેરાઈ ગયા.

               શિખરના પસ્તાવાનો પર ના રહ્યો. પોતાની ભૂલના કારણે મોનિકાને ભોગવવાનો વારો આવ્યો. આ બાબતને લઈને મોનિકા અને તેના પપ્પા વચ્ચે થતા ઉગ્ર ઝઘડાને લીધે ફ્લેટમાં પણ બધા લોકો આ વાત જાણી ગયા. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. મોનિકાનું કોલેજ જવાનું તો બંધ જ થઇ ગયું. શિખરની વ્યથાનો પાર ના રહ્યો. પણ સત્યનો સામનો કરવાની તેની હિંમત ન હતી. તેને ક્યાય ચેન પડતું ન હતું. તેની ભૂલ તેના માટે માથાનો દુખાવો બની ગઈ. મોનિકાનો સાથ છૂટી ગયો. તે ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો. તેની માઠી અસર તેના શિક્ષણ ઉપર પણ થઇ. શિખરની આ મનોદશા તેની મમ્મીના ધ્યાન પર આવી. એક દિવસ તેની મમ્મીએ તેને પોતાની પાસે બેસાડી પ્રેમથી પૂછ્યું, “શું વાત છે બેટા,કોઈ ચિંતામાં છે ? આટલો નિરાશ અને ઉદાસ કેમ છે ?” પહેલા તો તેણે કંઈ નહી કહી વાત ઉડાડવાનો પ્રયત્ન કર્યો. પણ પોતાની મમ્મીના પ્રેમભર્યા આગ્રહ અને પોતાના દિલમાં ભરાઈ રહેલા બોઝથી તે ભાંગી પડ્યો. અને પોતાની મ્મ્મ્મી આગળ દિલ ખોલીને રડી પડ્યો. “મમ્મી મને મોનિકા ખુબ ગમે છે. હું તેને મારી જીવનસંગીની બનાવવા ઈચ્છું છું.” શિખરની વાત સંભાળીને તેના મમ્મી હસી પડ્યા અને કહેવા લાગ્યા, “બસ આટલી વાત તો તેમાં છોકરીની જેમ રડે છે શું !” મને પણ મોનિકા બહુ પસંદ છે. હું પણ તેને આપણા ઘરની વહુ બનાવવા માંગું છું. હું જાતે જ મોનિકાના પરિવાર સમક્ષ તારા અને મોનિકાના સબંધની વાત મુકવાની છું.” આટલું સાંભળીને તો શિખરથી ખુશીથી ઉછળી જ પડ્યો.

               બીજા દિવસે શિખરના મમ્મી-પપ્પા આ બાબતે મોનિકાના મમ્મી-પપ્પાને મળવા ગયા. તેમણે મોનિકાના મમ્મી-પપ્પા પાસે શિખર માટે મોનિકાનો હાથ માંગ્યો. બંને પરિવાર આધુનિક વિચારસરણીવાળા હતા. મોનિકાનો પરિવાર વરસોથી શિખરના પરિવારને ઓળખતો હતો અને શિખરને પણ. વળી બનેની જ્ઞાતિ અને સમાજ પણ એક જ હતા તેથી બીજો કોઈ વાંધો પણ ન હતો. તેમ છતાં તેમણે મોનિકાની મરજી જાણીને જવાબ આપવાનું જણાવ્યું. એ દિવસે સાંજે જમતી વખતે મોનિકાની મમ્મીએ મોનિકાને શિખર સાથે તનો સબંધ કરવા બાબતે તેની મરજી પૂછી. મોનિકા બાળપણથી ઓળખતી હતી. તેથી તેને હા પાડવામાં બીજો કોઈ વાંધો પણ ન હતો. શિખર તેની દરેક વાતથી માહિતગાર હતો વળી શિખરમાં બીજો કોઈ દોષ પણ હતો. તેથી તેણે આ સબંધ માટે હા પાડી. જયારે મોનિકાના પરિવારે આ સમાચાર શિખરના પરિવારને કહ્યા ત્યારે તેમના ઘરમાં તો જાણે ખુશીનું વાવાઝોડું જ ફૂંકાઈ રહ્યું. શિખરની તો ખુશીનું ઠેકાણું જ ના રહ્યું. તેણે જાણે આખી દુનિયા જીતી લીધી હોય તેવી ખુશી થઇ. આખરે સારો દિવસ અને મુહુર્ત જોઈને શિખર અને મોનિકાની સગાઈ કરવામાં આવી.  અને સગાઈના દિવસે જ કોલેજ પૂરી થાય એટલે બંનેના લગ્ન કરવાનું પણ નક્કી ગોઠવાઈ ગયું. હવે શિખરના આગ્રહથી મોનિકાનું ફરી કોલેજ આવવાનું શરુ થયું. મોનિકાની ખુશીનો પણ પાર ન રહ્યો. તેને પણ હવે જીંદગી જીવવા જેવી લાગવા લાગી. પણ મોનિકા હજી શિખરની ગીફ્ટવાળી હરકતથી અજાણ હતી. અને શિખરે પણ તેને કશું કહ્યું નહી.

               આખરે કોલેજનું છેલ્લું વરસ પૂરું થયું અને શિખર અને મોનિકાના લગ્નની તૈયારીઓ ધૂમ-ધામથી થવા લાગી. શિખર અને મોનિકા તેમના લગ્નની ખરીદીમાં વ્યસ્ત થઇ ગયા. ખરીદી કરવા પણ બંને સાથે જ જતા. શિખરના પરિવારે લગ્ન નિમિતે મોનિકા માટે એક હર બનાવવાનું નક્કી કર્યું હતું. તેમની ઈચ્છા હતી કે હારની ડીઝાઈન પણ મોનિકા જાતેજ પસંદ કરે. આ બાબતે શિખર મોનિકાને લઈને જવેલર્સમા ગયો. મોનિકાએ પોતાની મનગમતી ડીઝાઈન પસંદ કરી. બંને બજારથી પાછા ફર્યા. ત્યાં રસ્તામાં પેલું ગજરાજેશ્વર મહાદેવનું મંદિર આવ્યું. મોનિકાએ આગ્રહ કરતા બંને જણ મંદિરમાં દર્શન કરવા ગયા. એક વખત પોતાના પ્રેમના ઈકરાર માટે શિખરે મોનિકાને આ મંદિરમાં બોલાવી હતી, જયારે આજે એ મોનિકા જાતે જ શિખરને આ મંદિરમાં લઇ આવી હતી. શિખરને મનમાં લાગ્યું કે મારી ભૂલના લીધે મોનિકાને ખુબ સહન કરવું પડ્યું. મારે તેની માફી માગવી જોઈએ. શિખર અને મોનિકા દર્શન કરીને મંદિરના ઓટલા પર બેઠા. ત્યારે શિખરે મોનિકાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “મોનિકા, મારે તને એક વાત કરવી છે.” “ હા તો બોલને શું કહેવું છે !” મોનિકા એ કહ્યું.  શિખરે કહ્યું, “મોનિકા મારાથી એક ભૂલ થઇ ગઈ છે. મે તારો ગુન્હો કર્યો છે. મારે તારી માફી માંગવાની છે” આ સાંભળી મોનિકા હસી પડી અને બોલી, “ હા તો ચલ હવે કાન પકડ અને ઉઠક બેઠક ચાલુ કર.”  શિખરે કહ્યું, “પહેલા મારો અપરાધ તો સાંભળી લે.” મોનિકા બોલી, “મારે કંઈ સંભાળવું નથી. મને તારાથી કોઈ ફરિયાદ નથી.” શિખરે કહ્યું, “ હું જાણું છું તું ખુબ ઉદાર દિલની છે. પણ જ્યાં સુધી હું તને કહીશ નહી ત્યાં સુધી મારા મનને શાંતિ થશે નહી. પ્લીઝ મને કહી દેવા દે.” મોનિકા બોલી, “ઓ કે બોલ, શું કહેવું છે ?” શિખરે મોનિકા સામે નજર મીલાવ્યા વિના જ નીચી નજરે અથી લઈને ઇતિ સુધીની બધી હકીકત મોનિકાને કહી સંભળાવી. મોનિકા ચુપ ચાપ બધું સાંભળી રહી. શિખરે જયારે પોતાની વાત પૂરી કરીને મોનિકા સામે જોયું ત્યારે તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ બની ગયો હતો. શિખર મોનિકાને વધુ કશું કહે તે પહેલા જ મોનિકા ત્યાંથી ઉઠીને ચાલવા લાગી. શિખરે મોનિકાનો હાથ પકડી તેને રોકવાની કોશિશ કરી. ત્યારે મોનિકાએ શિખરના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. અને ચાલતી થઇ. શિખર તેને હાથ જોડી જોડીને મનાવી રહ્યો. પણ મોનિકાએ તેની એક ના સાંભળી. મોનિકા શિખરને ત્યાંજ રડતો મુકીને પોતે પણ રડતા મુખે પોતાના ઘરે ચાલી ગઈ.

               શિખર પોતાના અપરાધ બદલ પસ્તાવો કરતો ત્યાજ રડતો બેસી રહ્યો. આ બાજુ રડતી હાલતમાં ઘરે આવેલી મોનિકાને જોઈને તેના મમ્મી-પપ્પાએ  તેને રડવાનું કારણ પુછ્યું, ત્યારે મોનિકા એ બધી જ હકીકત તેમણને કહી સંભળાવી. આ સંભાળીને આર્મીમેન મોનિકાના પપ્પાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. જેને લીધે સમાજ અને સોસાયટીમાં મોનિકાની બદનામી થઇ હતી,એ જ વ્યક્તિ સાથે તેઓ મોનિકાનું જીવન જોડવા જઈ રહ્યા હતા. ગુસ્સાભર્યા મોનિકાના પપ્પા મંદિરે આવ્યા. શિખર ઉદાસ ચહેરે હજી ત્યાંજ બેઠો હતો. મોનિકાના પપ્પાએ ત્યાં જઈ શિખરને કોલરથી પકડ્યો અને અપશબ્દો બોલીને તેને મારવા લાગ્યા. આ સમાચાર શિખરના પરિવારને મળતા તેનો આખો પરિવાર પણ ત્યાં પહોંચી ગયો. બંને પરિવાર વચ્ચે ઉગ્ર ઝઘડો થઇ ગયો. મારામારી થઇ ગઈ. શિખર અને મોનિકાના લગ્ન તો બાજુમાં રહ્યા સગાઈ પણ તૂટી ગઈ. શિખર કરગરીને પોતાની ભૂલ બદલ માફી માંગતો રહ્યો. પણ મોનિકાનો પારવાર રાજી ના થયો. એ પછી તો અવર નવાર આ બે પડોશી પરિવાર વચ્ચે કોઈના કોઈ બહાને ઝઘડા થવા લાગ્યા. થોડા દિવસ પછી મોનિકાનો પરિવાર ત્યાંથી મકાન બદલીને બીજે ક્યાંક ચાલ્યો ગયો. આજે એ વાતને ચાર વરસ થઇ ગયા. પણ મોનિકાના કોઈ સમાચાર ના મળ્યા. શિખરનું જીવન આજે જળ વગરની માછલી જેવું થઇ ગયું છે. તેના મમ્મી-પપ્પા તેને બીજે લગ્ન કરી લેવા ખુબ સમજાવે છે. પણ તે તૈયાર નથી. છેવટે શિખરનો પરિવાર પણ શિખરને મોનિકાની યાદમાંથી મુક્ત કરાવવા આ સ્થળ છોડીને બીજે ક્યાંક ચાલ્યો ગયો.

Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ  Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ  Þ Þ Þ Þ  Þ Þ

                કવરમાંની વાર્તા પૂરી થઇ. લેખક “શ્રીપતિ”ને વાર્તામાં રસ પડ્યો.પણ વાર્તા અધૂરી રહી. તેનું રહસ્ય અંકબંધ રહ્યું. તેમણે જોયું કે વાર્તા મોકલનારે વાર્તાના અંતમાં પોતાનો કોન્ટેક્ટ નંબર લખ્યો હતો. તેમણે તરત જ તે નંબર પર ફોન લગાવ્યો. સામેછેડે જયારે ફોન ઉપાડ્યો ત્યારે “શ્રીપતિ”એ કહ્યું,  “હું ગુજરાત સમાચારમાંથી “શ્રીપતિ” બોલું છું. મને આપના તરફથી એક વાર્તા મળી છે. વાર્તા સરસ છે. પણ તે અધૂરી લાગે છે. તો આપ કૃપયા મને આખી વાર્તા જણાવો, જેથી મને વાર્તાનો અંત લખતા ફાવે.” ફોન ઉપાડનાર વ્યક્તિએ જવાબ આપ્યો, “શ્રીપતિ સાહેબ, વાર્તા આટલી જ છે. અને આ વાર્તા નથી પણ મારા જ જીવનની સત્યઘટના છે. હું જ એ કમનસીબ શિખર છું. આગળ આપને જેમ ઠીક લાગે તેમ આગળની વાર્તા આપ આપની કલ્પનાથી પૂરી કરી દો.” “શ્રીપતિ’ ને નવાઈ સાથે દુખ પણ થયું. તેમણે શિખરને પુછ્યું,”શું ખરેખર મોનિકાનો કોઈ અત્તો-પતો નથી ! તમે મોનિકાને શોધી કેમ નહી ?” શિખર ફોન પર રડી પડ્યો, “મે ખુબ પ્રયત્ન કર્યો પણ એ પછી મોનિકા કે તેના પરિવારની ક્યાય ભાળ ના મળી.” “શ્રીપતિ”એ શિખરને આશ્વાસન આપ્યું અને ફોન મુક્યો. પછી તેઓ આ વાર્તાનો શું અંત હોઈ શકે તેના વિશે વિચારવા લાગ્યા. પણ તેમને એવી કોઈ બંધ-બેસતી કડી મળી નહી જે આ વાર્તાને યોગ્ય અંત આપી શકે. તેમણે એ પછીના બુધવારે આ અધૂરી વાર્તાને સુધાર્યા વગર શિખરના શબ્દોમાં જ એજ નામ ઠામ સાથે પોતાની કોલમમાં છાપી દીધી. તેમણે વિચાર્યું કે આવતા અંક સુધીમાં તેનો કોઈ બંધ બેસતો બીજો ભાગ વિચારી લઇશું.

               તે પછીના શુક્રવારે “શ્રીપતિ” તેમને મળેલી અને પોતે અડધી પેપરમાં છાપેલી શીખરવાળી વર્તાનો શેષભાગ લખવા માટે બેઠા. પણ કંઈ સુઝતું ન હતું. ત્યાજ બહાર ટપાલીએ બુમ મારી. બહાર આવીને તેમણે જોયું તો તેમના માટે એક ટપાલ આવેલી હતી. તેમણે કવર ખોલીને જોયું તો કોઈ વાચકે તેમની બુધવારે પેપરમાં છપાયેલી અધૂરી વાર્તાના અનુસંધાનમાં વાર્તા વિશેનો સંભવિત શેષ ભાગ લખીને મોકલ્યો હતો. તેમણે તે વાંચવાનું શરુ કર્યું……..

 

          

              “ચાંદલોડિયા છોડીને ચાલ્યા ગયેલા મોનિકાના પિતાએ પોતાનું ટ્રાન્સફર બનાસકાંઠાના હાલના સુઇગામ તાલુકાના સરહદી ગામ નડાબેટ ખાતે કરાવી હતી. આ વિસ્તાર ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે. અહી આર્મીનો મોટો કેમ્પ છે. આ જ સ્થળે ઇતિહાસમાં પોતાની બહેન જાસલને સિંધના પાપી હમીર ચુમરાના હાથમાંથી છોડાવવા નીકળેલા જુનાગઢના રાજા રા’નવઘણને મદદ કરનાર મા નડેશ્વરી માતાનું ભવ્ય મંદિર છે. આજુ-બાજુ સેકડો કિલોમીટર ખરાપટથી ઘેરાયેલા આ રણ વિસ્તારમાં માત્ર આ જ એક સ્થળે મીઠું પાણી છે. જે મા નડેશ્વરીનો ચમત્કાર છે. કહેવાય છે કે ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે આ માતાજીએ પરચા પુરીને ભરતના સૈનિકોને મદદ કરી હતી. ત્યારથી માંડીને આજ સુધી આ મંદિરમાં માતાજીની સેવા પૂજા આર્મીના જવાન ભાઈઓ જ કરે છે. અહી આવ્યા પછી મોનિકાએ શિખર સાથેના પોતાના જીવનના ભૂતકાળને ભુલવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ તે ભૂલી શકી નહી. ઘણીવાર તે નડેશ્વરીના મંદિરમાં માતાજી આગળ રડી પડતી.

               એક વખત તેની આ સ્થિતિ મંદિરના એક વૃદ્ધ પુજારી જોઈ ગયા. તેમણે મોનિકાને શાંત પડી અને આમ રડવાનું કારણ પૂછ્યું. મોનિકાએ તેમને બધી જ હકીકત કહી સંભળાવી. એ સાંભળ્યા બાદ પુજારીબાપાએ  તેને આશ્વાસન આપતા કહ્યું, “બેટા ભૂલ તો તારી જ છે. ચપટીના ચોરને તે ફાંસીની સજા આપી દીધી. તને એની લાગણીઓની સહેજ પણ કદર ન થઇ. તે સાચો હતો એટલે તેણે તને બધી હકીકત ભુલ સમજાઈ હતી. પુજારીબાપાએ તેને કહ્યું, “આ માતાજી પર શ્રદ્ધા રાખ બેટા સૌ સારા વન થશે.” શિખર વગર મોનિકાની આ પરિસ્થિતિ જોઈને તેણે મમ્મી-પપ્પાને પણ લાગ્યું કે મોનિકા શિખરને ભૂલી શકી નથી. તેમણે તેને બીજે સગાઈ કરવા ખુબ સમજાવ્યું પણ તે તૈયાર ના થઇ. તે બસ શિખરને જ ઝંખતી રહેતી હતી. તેની આ દશા જોઈને તેના મમ્મી-પપ્પને લાગ્યું કે મોનિકાની ખુશીનો હવે એક જ રસ્તો છે, શિખર સાથે તેનો સબંધ ફરી જોડવો. આ માટે તેઓ માફી માંગવાની તૈયારી સાથે શિખરના પરિવારને મળવા અમદાવાદ ચાંદલોડિયા આવ્યા. પણ અહી આવ્યા પછી તેમને ખબર પડી કે શિખરનો પરિવાર તો ચાંદલોડિયા છોડીને ક્યાંક બીજે ચાલ્યો ગયો છે. અને તેઓ ક્યાં ગયા છે તેની પણ કોઈને ખબર ન હતી. મોનિકાના પપ્પા નિરાશ થઈને અમદાવાદથી પાછા ફર્યા. બસ છેલા ચાર વરસથી શિખરના પ્રેમ માટે ઝૂરતી મોનિકા આમ જ તેની રાહ જોતી જીવન વિતાવી રહી છે. અને દર રવિવારે મંદિર આવીને માતાજીને પ્રાર્થના કરતી રહે છે .”

 

 

               આ વાર્તા લખી મોકલનારે વાર્તા અંતમાં પોતાનું નામ કે નંબર લખ્યા હતા. પણ વાર્તાનો આ ભાગ શિખરની અધૂરી વાર્તા સાથે બરાબર બંધ બેસતો હતો. “શ્રીપતિ”ને શંકા ગઈ કે આ શેષ ભાગ લખી મોકલનાર કાંતો મોનિકા પોતે હોવી જોઈએ અથવા તેના વિશે જાણનાર તેની કોઈ નજીકની વ્યક્તિ હોવી જોઈએ. તેમણે ટપાલના ક્વરને બરાબર ધ્યાનથી જોયું તો કવર પર પોસ્ટનો સિક્કો વાગેલો હતો. તેમને ધ્યાનથી જોયું તો ખબર પડી કે ટપાલ નડાબેટથી જ પોસ્ટ થયેલી હતી. તેમની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ કે મોનિકા નડાબેટમાં જ છે. તેમણે તરત જ શિખરને ફોન લગાવ્યો અને આખી હકીકત સમજાવતા કહ્યું, “વાર્તાનો શેષ ભાગ લખી મોકલનાર વ્યક્તિ મોનિકા જ હોવી જોઈએ તેવી મને પાકી શ્રદ્ધા છે. તેના કહેવા પ્રમાણે તે દર રવિવારે નડાબેટના નડેશ્વરીમાતા મંદિર આવે છે. પરમ દિવસે રવિવાર છે. તમારે ત્યાં જવું જોઈએ કદાચ તમારી મોનિકા તમને ત્યાં મળી જાય. “શ્રીપતિ”ની વાત પર શિખરને વિશ્વાસ બેઠો. તેણે આખી વાત પોતાના પરિવારને જણાવી. પોતાના દીકરાની ખુશી માટે શિખરનો પરિવાર ભારત પાકિસ્તાનની બોર્ડર પર તો શું છેક પાકિસ્તાન જવા તૈયાર હતો. તેમણે રવિવારના દિવસે નડાબેટ જવાનું નક્કી કર્યું. તેમણે લેખક “શ્રીપતિને પણ આગ્રહ કરીને સાથે લીધા. “ શ્રીપતિ” પણ આ આખી પ્રેમ કહાણીના સાક્ષી બનવા ઉત્સાહી હતા તે પણ શિખરના પરિવાર સાથે નડાબેટ ગયા.

               રવિવારે તેઓ સવારે વહેલા અમદાવાદથી ગાડી લઈને નડાબેટ જવા નીકળ્યા. લગભગ ત્રણસો કિલોમીટરનું અંતર હતું. આખે રસ્તે શિખર અને તેનો પરિવાર ભગવાનને કરગરતો રહ્યો કે મોનિકા મળી જાય. લગભગ બપોરે બાર વાગે તેઓ નડાબેટ પહોંચ્યા. રવિવાર હોવાથી યાત્રીઓની ખુબ ભીડ હતી. માતાજીને બપોરનો થાળ ધારાવાઈ રહ્યો હતો. શિખરની નજર આ ભીડમાં મોનિકાને જ શોધી રહી હતી. થાળ પુરો થતા પ્રસાદ વહેચવાનું શરુ થયું. પ્રસાદ વહેચનાર વ્યક્તિ જયારે પ્રસાદ વહેચતી વહેચતી શિખર પાસે આવી ત્યારે એને જોઈને શિખર રીતસર બુમ જ પડી ઉઠ્યો, “મોનિકા…..” અને એ પ્રસાદ વહેચનાર બીજું કોઈ નહી પણ મોનિકા જ હતી. શિખરને જોતા જ મોનિકા પણ ગદગદિત થઇ ગઈ અને શિખરને વળગીને રડી પડી. આ દ્રશ્ય જોઈને મંદિરનું આખું વાતાવરણ ગમગીન બની ગયું. એટલામાં મોનિકાનો પરીવાર પણ ત્યાં આવી પહોચ્યો. મોનિકાના પિતાએ હાથ જોડીને શિખરની અને તેના પરિવારની માફી માગી. શિખરના પરિવારે પણ પોતાની ભૂલ કબુલ કરી. જૂની વાતો ભૂલીને શિખર અને મોનિકાના પપ્પા એકબીજાને ભેટી પડ્યા. હાજર સૌની આંખોમાં આંસુ હતા. મોનિકાની માતાજી પરની શ્રદ્ધા ફળી. બંને પરિવારે લેખક “શ્રીપતિ”નો ખુબ ખુબ અભાર માન્યો તેમના થકી જ આ છૂટી પડેલી સારસ બેલડી ફરી મળી હતી. પછી તો ત્યાજ બંને પરિવારે ભેગા મળીને આવતી પૂનમે નડેશ્વરીના ચરણોમા જ શિખર અને મોનિકાના લગ્ન કરવાનું નક્કી કર્યું. સાંજે શિખરનો પરિવાર “હવે પૂનમના દિવસે જાન જોડીને આવશું” તેમ કહી છુટા પડ્યા અને પાછા આવવા રવાના થયો. સવારે રડતો નીકળેલો શિખરનો પરિવારસાંજે  હસતા મુખે પાછો ફર્યો. ઘરે પાછા આવીને “શ્રીપતિ” તરત જ કાગળ અને પેન લઈને શિખર અને મોનિકાની અધૂરી વાર્તા પૂરી કરવા બેસી ગયા. બીજા બુધવારે વાર્તાનો શેષ ભાગ પેપરમાં છપાયો. જેમાં નીચે “શ્રીપતિ”એ લખ્યું હતું…….સત્યઘટના…..!

 

 

                    થોડા દિવસ પછી “શ્રીપતિ’ને ટપાલમાં એક કવર મળ્યું. એ જોઈને તેઓ ગભરાયા, પણ કવર ખોલીને વાંચ્યા પછી હસવા લાગ્યા. તે કવરમાં કોઈ શિખર અને મોનિકાની પ્રેમ કથા ન હતી. પણ કંકોતરી હતી શિખર અને મોનિકાના લગ્ન ની.  

= “શ્રીપતિ”

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s