જન્મકુંડળી
= “શ્રીપતિ”
અમદાવાદની મથુરા નગર સોસાયટીમાં આજે ખુશીનું વાતાવરણ હતું. તેની પાછળ બે કારણ હતા. એક કે બંગલા નંબર ૧૩ મા રહેતા મુલચંદભાઈની દીકરી કુંદન કે જે ઘરેથી રિસાઈને ચાલી ગઈ હતી તે એક મહિના પહેલા જ પાછી ફરી હતી અને આજે પ્રકાશ નામના છોકરા સથે તેના લગ્ન થઇ રહ્યા હતા. બીજું ખુશીનું કારણ એ હતું કે બંગલા નંબર ૧૯ માં રહેતા વિકાસભાઈના ઘરે આજે લગ્ન જીવનના બાર વરસ પછી ઘરે ઘોડિયું બંધાયું હતું. તેમના પુત્રના જન્મની પ્રથમ માસિક તિથીએ તેમણે સોસાયટીના સભ્યો માટે રાતે પાર્ટીનું આયોજન કર્યું હતું. બપોરે કુંદનને વિદાય આપી સોસાયટીના લોકો સાંજે વિકાસભાઈને ત્યાં પાર્ટીમાં ભેગા થયા. લોકો એ ખુબ મિજબાની કરી. વરસોથી ની:સંતાન માં-બાપના ઘરે તે દીકરો લાડ-કોડથી ઉછરવા લાગ્યો.
* * * * * * * * * * * * * * * * * વીસ વરસ પછી. * * * * * * ** * * * * * *
પ્રજ્ઞા અને સુમિત આમ તો કોલેજના પ્રથમ વરસથી સાથે જ ભણતા હતા. પણ આજ સુધી એક બીજાના પરિચયમાં આવવાનું બન્યું ન હતું. પરંતુ આ વખતે ત્રીજા વરસની કોલેજની પરીક્ષામાં જોડે જોડે નંબર આવતા બંને જણ એક બીજાના પરિચયમાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ તેમ પરીક્ષા શરું થયા પહેલાનો સમય સામાન્ય રીતે બધા માટે ડર જતાડનાર હોય છે. આવું જ પ્રજ્ઞાની બાબતમાં પણ હતું. તે પેપર શરું થવાના પહેલા થોડી ગભરાયેલી હતી. તે બે હાથ જોડીને આંખો બંધ કરીને ભગવાનને પોતાનું પેપર સારું જાય તે માટે પ્રાર્થના કરી રહી હતી. આ જોઈને સુમિત મનમાં હસી રહ્યો હતો. પ્રજ્ઞાની પ્રાર્થના પૂરી થતાં સુમિતે તેની સાથે વાત-ચિત્ શરું કરી. “ગઈ કાલનું પેપર કેવું ગયું ?” “ગઈ કાલે તો પેપર સરસ ગયું, પણ આજે થોડી ચીન્તાછે.” પ્રજ્ઞાએ જવાબ આપ્યો. સુમિતે કહ્યું, “ ચિંતા ના કરો આજનું પેપર પણ સરસ જ જશે, બેસ્ટ ઓફ લક.” “થેંક યુ.” પ્રજ્ઞા એ કહ્યું. થોડીવાર થઈને પેપર શરું થવાનો ઘંટ વાગ્યો. બધાની સાથે સુમિત અને પ્રજ્ઞા પણ પેપર લખવામાં મશગુલ થઈ ગયા. ત્રણ કલાકનો સમય પુરો થયો ને ફરી પેપર પૂરું થવાનો ઘંટ વાગ્યો. બધા ક્લાસ છોડીને પોતાના ઘરે જવા નીકળ્યા. ત્યાં કેમ્પસમાં વળી પાછી સુમિત અને પ્રજ્ઞાની મુલાકાત થઈ. પ્રજ્ઞાએ સુમિતને કહ્યું, “તમારું બેસ્ટ ઓફ લક કામ કરી ગયું, મારું પેપર ધાર્યા કરતા ઘણું જ સારું ગયું. થેન્ક્સ અગેન.” “યુ આર વેલકમ” સુમિતે સ્મિત સાથે પ્રજ્ઞાના થેન્ક્સનો સ્વીકાર કર્યો.
આમ પરીક્ષા દરમ્યાનની આ સામાન્ય વાતચીત બંને જણ વચ્ચે પરિચયનું માધ્યમ બની. બીજા પેપરથી શરું થયેલો ‘ઓલ ધ બેસ્ટ’ અને થેંક યુ’ નો આ સીલસીલો આખી પરીક્ષા સુધી જળવાઈ રહ્યો. રોજ પેપર પૂરું થયા પછી સુમિત અને પ્રજ્ઞા કેમ્પસમાં મળીને આજે પેપર કેવું હતું તેની ચર્ચા કરતા. આજે છેલ્લું પેપર હતું. રોજ પેપર શરું થતા પહેલા બેચેન બનવાનું પ્રજ્ઞાનું કામ આજે સુમિત કરી રહ્યો હતો. પણ તેની બેચેનીનું કારણ પરીક્ષા નહી પણ પરીક્ષા પૂરી થયા પછી થનારી પ્રજ્ઞાની જુદાઈ હતી. પરીક્ષાના આ દસ દિવસ દરમ્યાન પ્રજ્ઞાએ સુમિત પર જાણે કે જાદુ કર્યો હતો. આજે પરીક્ષા પૂરી થશે અને કાલથી પ્રજ્ઞા સાથેની મુલાકાત અને વાતચીત પણ બંધ થશે એ વાત સુમિતને બેચેન બનાવતી હતી. અંતે છેલ્લું પેપર પણ પૂરું થયું અને છુટા પડવાનો સમય આવ્યો. સુમિતે હિંમત કરીને પ્રજ્ઞાને છુટા પડતાં પહેલા પોતાની સાથે એકવાર આઈસ્ક્રીમ ખાવાની વિનંતી કરી સુમિતના આશ્ચર્ય વચ્ચે પ્રજ્ઞાએ તે વિનંતીનો સ્વીકાર પણ કર્યો. સુમિતના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. બન્ને જણ આઈસ્ક્રીમ ખાવા ગયા ત્યાં બેસીને ઘણી બધી વાતો કરી. હવે આગળ શું કરવાનું છે, પોતાના પરિવાર વિષે પણ વાતો કરી. છુટા પડતી વખતે હિંમત કરીને સુમિતે પ્રજ્ઞા પાસે તેનો મોબાઈલ નંબર માંગી લીધો.
રોજે રોજનો ફોન કોન્ટેક્ટના સિલસિલા થી તેમનો પરિચય મિત્રતામાં ફેરવાઈ ગયો. અને મિત્રતાએ એ પ્રણયનું બાળપણ છે. તેમની આ મિત્રતા ક્યારે પરસ્પરના પ્રેમમાં ફેરવાઈ ગઈ તેની બંનેમાંથી કોઈને ખબર ના પડી. અચાનક એક દિવસ પ્રજ્ઞાના પરિવારમાં તેના મમ્મી કુંદનબેહેને તેના પપ્પા પ્રકાશભાઈ આગળ તેની સગાઈ માટે સારો છોકરો શોધવાની વાત કાઢી. આ સંભાળીને પ્રજ્ઞા બેચેન બની ગઈ. પોતાની બેચેની માટે બહુ વિચાર કર્યા પછી તેને સમજાયું કે તેની બેચેની પાછળનું કારણ સુમિત પ્રત્યે તેના મનમાં ખીલી ઉઠેલી પ્રેમની કુણી લાગણી હતી. સાજે સુમીતનો ફોન આવતા તેણે સુમિતને પોતાના મનની સ્થિતિની વાત કરી અને આ વાત દરમ્યાન જ બંને જણ પોતાના પરસ્પરના પ્રેમનો એકરાર કરી બેઠા. સુમિત અને પ્રજ્ઞા આમ તો એક જ બ્રાહ્મણ જ્ઞાતિના હતા પણ ગોળની દ્રષ્ટિએ તેમનો સમાજ જુદો પડતો હતો. પણ બંનેનો પિરવાર આધુનિક વિચારધારાવાળો હતો. એટલે ગોળનો પ્રશ્ન તેમને નડતો ન હતો. પણ પ્રશ્ન એ હતો કે માં-બાપ આગળ આ વાત મુકવી કેવી રીતે. થોડાજ દિવસોમાં આ પ્રશ્નનો પણ અંત આવ્યો. પ્રજ્ઞાના દાદીમાં ગામડેથી તેના ઘરે રહેવા માટે આવ્યા. આપણે જાણીએ છીએ કે દાદા-પોત્ર કે દાદી-પોત્રીના સબંધો પિતા-પુત્ર કે માતા-પુત્રીથી વધુ નિખાલસ હોય છે. પ્રજ્ઞાએ પોતાના મનની વાત પોતાના દાદીમાને કરી. દાદીમાએ તેને ટેકો આપ્યો અને પ્રજ્ઞાના માતા-પિતાને સમજાવવાનું આશ્વાસન પ્રજ્ઞાને આપ્યું. આ સુમિત એ જ ની;સંતાન માં-બાપનો દીકરો હતો જે આપણને વાર્તાની શરૂઆતમાં મળ્યો હતો.
એક દિવસ તક જોઈને પ્રજ્ઞાની દાદીએ સુમિત અને પ્રજ્ઞાની વાત પરિવાર વચ્ચે મૂકી. પરિવારમાં કોઈને વાંધો ન હતો. બીજા રવિવારે પ્રજ્ઞા, તેના પિતા પ્રકાશભાઈ, તેના દાદી, તેનો ભાઈ, બધા સુમિતના ઘરે ગયા. પ્રજ્ઞાની મમ્મી કુંદનબેહેનની તબિયત થોડી ખરાબ હોવાથી તે એકમાત્ર ઘરે રહ્યા. આ કુંદન એ જ કુંદન હતી કે જેના લગ્ન આપણે વાર્તની શરૂઆતમાં માણ્યા હતા. સુમિતના માતા રંજનબેન અને પિતા વિકાસભાઈએ પોતાની આગતા સ્વાગતાથી સુમિતના પિરવારના લોકોના દિલ જીતી લીધા. વાત લગભગ પાક્કી ગોઠવાઈ ગઈ. સુમિતના ઘરેથી નીકળતી વખતે પ્રજ્ઞાની દાદીએ સુમિતના માતા-પિતાને કહ્યું કે પ્રજ્ઞા અને સુમિતના લગ્ન જીવનમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે આપણે તે બન્નેની જન્મકુંડળી મેળવી લેવી જોઈએ. તમે અમને સુમિતની જન્મકુંડળી મોકલી આપજો. આમ કહી બધા છુટા પડ્યા. આ સગાઈની વાત થી બધાજ ખુશ હતા. પણ કોણ જાણે કેમ પ્રજ્ઞાની દાદીમાએ કરેલી જ્ન્મકુંડળીની વાતથી સુમિતના પિતા વિકાસભાઈ થોડા બેચેન બન્યા. પ્રજ્ઞા અને સુમિતની ખુશીનો પાર ના રહ્યો. તેમના એક-મેકને મળવાના સપના હવે પુરા થવાના હતા. તે દિવસે રાતે જમતી વખતે સુમિતના મમ્મીએ તેના પપ્પા વિકાસભાઈને વાત યાદ કરાવીને કહ્યું કે, “તમે કાલે દુકાને જવા નીકળો ત્યારે સુમિતની જન્મકુંડળી પ્રજ્ઞાના પરિવારવાળાને આપતા જજો.” “રંજન, જ્યાં માણસોના મન મળતા હોય ત્યાં કુંડળીઓ મેળવવાની શી જરૂર છે ? હું આ બધી વાતોમાં નથી માનતો.” વિકાસભાઈએ એ બાબતમાં નારાજગી જતાવી. “તમે નથી મનતા પણ એ લોકો માનતા હોય તો ભલેને કુંડળીઓ મેળવી લે, તેમાં તમને શું વાંધો છે ?” રંજનબેને પ્રકાશભાઈને સમજાવતા કહ્યું. “વાંધો છે ત્યારે જ તો કહું છું.” કહેતા વિકાસભાઈ થોડા અકળાઈ ગયા. રંજનબેનને નવાઈ લાગી. તેમણે સહેજ અકળાઈને પૂછ્યું, “પણ એવો તો શું વાંધો છે કે તમે એટલા અકળાઈ જાઓ છો ?” “તે ગમેં તે હોય પણ આવા અંધશ્રદ્ધામાં માનનારા પરિવારમાં હું સુમિતનું સગું કરવા નથી માંગતો એમ કહી વિકાસભાઈ જમતા જમતા ઉભા થઇ બહાર નીકળી ગયા.” રંજનબેને વિકાસભાઈની આંખમાં ગજબનું તોફાન જોયું. તેમની નવાઈનો પાર ના રહ્યો. આમ તો તે વિકાસભાઈને બરાબર ઓળખતા હતા. તે સુમિતને ખુબ જ ચાહતા હતા. સુમિતની ખુશી માટે તે કંઈ પણ કરવા તૈયાર હતા, પણ આજે તે સુમિતની ખુશી આડે કેમ આવતા હતા તે રંજનબેનને સમજાતું ન હતું. તે સમજી ગયા કે જન્મકુંડળી ન આપવા પાછળ ચોક્કસ કોઈ બીજું જ કારણ હતું. તે દિવસે આખી રાત રંજનબેનને ઊંઘ ના આવી.
બીજા દિવસે સવારે ચા પીતી વખતે રસોડામાં તેમણે ફરીથી જન્મકુંડળીની વાત કાઢી. “શું વાતછે તમે જન્મકુંડલી કેમ આપવા માંગતા નથી.” વિકાસભાઈ એ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો પણ રંજનબેને એ જ વાત પકડી રાખી. છેવટે તેમણે વિકાસભાઈ ને સુમિતના સમ આપી સાચી વાત કરવા માટે કહ્યું. સુમિતના સમની વાતથી વિકાસભાઈ ઢીલા પડી ગયા. તેમનો ચહેરો રડવા જેવો થઇ ગયો. તેમણે રંજનના મોઢા પર હાથ મૂકી તેમને સમ આપતા અટકાવ્યા. છેવટે વિકાસભાઈ સાચી વાત કરવા માટે મજબુર થયા. તેમણે રંજનનો હાથ પોતાના હાથમાં લીધો અને વાત શરું કરી બરાબર તે જ વખતે સુમિત તેના રૂમમાંથી ઉઠીને રસોડામાં આવી રહ્યો હતો. તેની નજર તેના મમ્મી-પપ્પા પર પડી તેણે પોતાના મમ્મી-પપ્પાને આટલા ચિંતાતુર પહેલા ક્યારેય જોયા ન હતા. તે કોઈને ખબર ના પડે તે રીતે રસોડાના દરવાજા બહાર જ ઉભા રહીને તેમની વાતો સંભાળવા લાગ્યો. વિકાસભાઈ એ વાત શરું કરી, “રંજન મને માફ કરી દે. મેં વરસોથી તારાથી એક વાત છુપાવી છે. પણ એ તારા સુખ માટે જ.” રંજનબેન આશ્ચર્યથી વિકાસભાઈ સામે જોઈ રહ્યા. વિકાસભાઈ એ આગળ ચલાવ્યું તેમની આંખો આંસુથી છલકતી હતી, “કહેતા જીભ નથી ઉપડતી. તું જેને આપણો દીકરો સમજીને લાડ-કોડથી વીસ વરસથી ઉછેરે છે તે સુમિત આપનો દીકરો નથી.” આ સંભાળીને રંજનબેન પર જાણે કે વીજળી પડી. તે એકદમ સ્તબ્ધ થઇ ગયા. તેમની આંખો પહોળી થઇ ગઈ. વિકાસભાઈએ વાત આગળ ચલાવી, “આજથી વીસ વરસ પહેલા અપણા ઘરે ખુશીનો દિવસ હતો. આપણા લગ્ન જીવનના બાર વરસ પછી તને પ્રેગ્નેન્સી રહી હતી. ધીમે ધીમે તને દિવસો ચઢતા જતા હતા. અચાનક એક દિવસ તને પ્રસુતિની પીડા ઉપડી. હું દુકાને ગયો હતો. આપણા પડોશીઓએ તને હોસ્પિટલમાં દાખલ કરી અને મને ફોન કર્યો. હું હોસ્પિટલ પહોંચ્યોં ત્યારે ડોક્ટર મારી જ રાહ જોઈ રહ્યા હતા. તેઓ મને તેમના કેબીનમાં લઈ ગયા અને કહ્યું, ‘તમારી પત્નીની નોર્મલ ડીલીવરી શક્ય નથી. અમારે સીઝેરીયન કરી બાળક લેવું પડશે.’ મેં તેમને તે માટે હા પાડી. તને ઓપરેશન થીયેટરમાં લઈ જવામાં આવી. પણ એટલેથી આપણી મુસીબતોનો પાર આવ્યો ન હતો. હું ઓપરેશન થીયેટરની બહાર તારુ ઓપરેશન પૂરું થવાની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં ડોક્ટર સાહેબે મને અંદર બોલાવ્યો અને કહ્યું, ‘તમારી પત્નીના ઓપરેશનમાં જોખમ છે. માતા અથવા બાળક બંનેમાંથી એકનો જ જીવ બચી શકે તેમ છે. અમે બંનેને બચાવવાનો પુરતો પ્રયત્ન કરીશું. આ સાંભળી મારા હોશ-કોશ ઉડી ગયા. હું ડરતો હતો કે જો તને કંઈ થઇ ગયું તો આપણું બાળક જન્મતા જ અનાથ બની જશે. હું ભગવાનને બંને જીવને બચાવવા પ્રાર્થના કરી રહ્યો હતો. અઢી કલાકના ઓપરેશન પછી ડોક્ટર બહાર આવ્યા. હું રડતા ચહેરે તેમની પાસે દોડી ગયો. તેમણે માર ખભા પર હાથ મુકીને કહ્યું, “‘આઈ એમ સોરી, અમે બંનેને બચાવવા ખુબ પ્રયત્ન કર્યો, પણ બાળક મૃત જન્મેલ છે. અમે અપના બાળકને બચાવી ન શક્યા. તમારી પત્ની હવે સુરક્ષિત છે. એક કલાકમાં તેમને હોશ આવી જશે.” મારા પર જાણે કે વીજળી પડી.
તુ હજી બેભાન હતી. હું તારી પથારી પાસે તારા ભાનમાં આવવાની રાહ જોઈને બેઠો હતો. તું ભાનમાં આવીશ ત્યારે હું તને શું જવાબ આપીશ એ વિચારે મારું મન ચકડોળે ચઢ્યું હતું. એટલામાં એક નર્સ મને બોલાવવા આવી, “ડોક્ટર સાહેબ તમને તેમની ચેમ્બરમાં બોલાવે છે.” ત્યાંથી હું ભાગેલા પગે ડોક્ટર પાસે ગયો. ત્યાં એમણે મને જે વાત કહી તે સાંભળી મારી પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે કહ્યું, “મને કહેતા બહુ દુખ થાય છે પણ તમારી પત્ની હવે ક્યારેય માતા નહી બની શકે. બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું અને તેના ચેપથી તમારી પત્નીની ગર્ભાશયની કોથળીને ચેપ લાગ્યો હતો એટલે અમારે કોથળી કાઢી નાખવી પડી.” હું ડોક્ટર સાહેબ આગળ જ ચોંધાર આંસુએ રડી પડ્યો. તેમણે મારા ખભા પર હાથ મૂકી મને શાંત કર્યો. ગયો. ડોક્ટરે મને પ્રેમથી બેસવા કહ્યું. હું નિરાશ ચેહરે બેઠો. ડોક્ટરે વાત શરું કરી, “વિકાસભાઈ તમારા મનની સ્થિતિ હું સમજી શકું છું. ભગવાનને જે ગમ્યું તે ખરું. પણ જો તમે ઈચ્છો તો તમારી પત્નીને આ આઘાતમાંથી બચાવી શકો છો.” ડોક્ટરની વાત મને કંઈ સમજાઈ નહી. મેં પ્રશ્નભરી નજરે તેમની સામે જોયું. તેમણે પોતાની વાત આગળ ચલાવી, “હા એ શક્ય છે જો તમે તૈયાર હોવ તો.” મને હજી કંઈ સમજાતું ન હતું. મેં ડોક્ટરને પૂછ્યું, “તે કેવી રીતે ?” ડોક્ટરે કહ્યું, “ તમારી પત્નીનું ઓપરેશન થયું તે પહેલા મેં બીજી એક સ્ત્રીની પ્રસુતિ કરાવી હતી. તેને દીકરો જન્મ્યો હતો. હું જયારે તમારી પત્નીનું ઓપરેશન કરીને બહાર આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે તે સ્ત્રી બાળકને હોસ્પિટલમાં જ ત્યજીને નાસી ગઈ હતી. આવા તો કેટલા નિર્દોષ બાળકો આ દુનિયામાં જન્મે છે જે પોતાના મા-બાપના કુકર્મ ને લીધે જન્મતા જ અનાથ બની જાય છે. તેમનું આશ્રય સ્થાન પછી અનાથ આશ્રમ બને છે. જો તમે તૈયાર હો તો એ બાળકને તમે અપનાવી શકો છો. તમારી પત્ની હજી બેભાન છે. તેમના ભાનમાં આવતા પહેલા અપણે આ બાળકને તેમની પાસે મૂકી દઈશું. એમ કરવાથી એક નિરાધાર બાળકને આશરો મળશે અને તમને સંતાન.” ડોક્ટરની વાત સંભાળીને થોડીવાર તો શું કરવું તે મને સુજ્યું નહી. પણ અચાનક યાદ આવ્યું કે તું ફરી મા બની શકે તેમ નથી. એટલે મેં તે બાળકનો સ્વીકાર કરવાનો નિર્ણય લીધો. પછી એ બાળકને લઈને તારી પાસે સુવાડી દીધો. તું જયારે ભાનમાં આવી ત્યારે એ બાળકને પોતાનું બાળક સમજી લીધું. ભગવાનની દયા થી તારા સ્તન દુધે ભરાયા. તારી છાતીએ એ બાળકને દુધના ઘૂંટડા ભરતા જોઈ ડોક્ટરે મારી તરફ ઉપકારની નજર નાંખી. અને એ બાળક જ આપણો સુમિત છે.” આમ કહી વિકાસભાઈ એ પોતાની વાત પૂરી કરી. થોડી ક્ષણો એમ જ શાંતિમાં જ પસાર થઇ. પછી વિકાસભાઈ રંજન સામે જોઈને બોલ્યા હવે તું જ મને કહે, “જે બાળકના જન્મનો ચોક્કસ સમય કે ચોઘડિયાની મને ખબર નથી તેવા બાળકની જન્મકુંડળી હું પ્રજ્ઞાના પરિવારવાળાને ક્યાંથી લાવી આપું ?”
પોતાની વાત પૂરી કરી વિકાસભાઈએ રંજન સામે જોયું. રંજનબેન જાણે કે પથ્થરની મૂર્તિ બની ગયા હતા. તેમની આંખો ફાટી ગઈ હતી. વિકાસભાઈ એ રંજનબેનને ખભેથી પકડીને હલાવ્યા ત્યારે તે ભાનમાં આવ્યા અને પોક મુકીને રડવા લાગ્યા, “ભગવાને મારી સાથે આવું કેમ કર્યું ?” વિકાસભાઈ તેમને સમજાવી રહ્યા હતા, “અરે ગાંડી એક હાથે આપવું અને બીજા હાથે લઇ લેવું એ તો કુદરતની લીલા છે. તારે તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે તેણે તને સુમિત જેવો દીકરો ભેટ આપ્યો. જો એ તને અને મને કેટલો પ્રેમ કરે છે.” આમ કહી વિકાસભાઈ રંજનબેનને સમજાવવા લાગ્યા. ખુબ રડી લીધા પછી રંજનનું મન હળવું થયું. વિકાસભાઈ એ કહ્યું, “આપણે સુમિતને કશી વાત કરવી નથી.” રંજનબેને માથું હલાવી હા પાડી. એટલામાં જ રસોડાના બાજુના રૂમમાંથી કંઇક પડવાનો અવાજ આવ્યો. બંને જને બહાર આવીને જોયું તો તેમની વાતો સાંભળીને રડી રહેલ સુમિતના હાથમાંથી કાચનો પ્યાલો પડીને ફૂટી ગયો હતો. વિકાસભાઈ અને રંજનબેન ફાટી નજરે સુમિત સામે જોઈ રહ્યા. થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. કોઈ કશું બોલ્યું નહી. આખરે રંજનબેનના મોઢામાંથી શબ્દો નીકળ્યા, “બેટા તું ક્યારે આવ્યો ?” જવાબમાં સુમિત દોડીને રંજનબેનને ભેટી પડ્યો. જેમ તરત જ પ્રસુતિ થયેલી ગાય પોતાના વાછરડાને ચાટવા લાગે તેમ રંજનબેન સુમિત પર ચુંબનોનો વરસાદ વરસાવી રહ્યા.
સુમિત અને પ્રજ્ઞાની સગાઈ જન્મકુંડળીના આંકડાઓની માયા જાળમા અટવાઈને રહી ગઈ. એ પછી સુમિત ઉદાસ રહેવા લાગ્યો. એકવાર સુમિતના મમ્મી તેના માટે ચા લઈને તેના રૂમમાં ગયા ત્યારે સુમિત પ્રજ્ઞાનો ફોટો પોતાના હાથમાં લઈને રડમસ ચેહરે બેઠો હતો. રંજનબેનથી સુમિતની આ દશા જોઈ જાતી ન હતી. તેમણે સુમિતના પપ્પાને વાત કરી, “આપણો સુમિત પ્રજ્ઞાને ખુબ પ્રેમ કરે છે. આપણે પ્રજ્ઞાના મમ્મી પપ્પાને સમજાવીએ તો. તેમને સાચી વાત કહી દઇશું. ભગવાન કરેને તેઓ જન્મકુંડળીની વાત ભૂલીને સગાઈ માટે રાજી થઇ જાય તો આપણા સુમિતની જીંદગી ખુશીઓથી ભરાઈ જાય.” સુમિતના પપ્પાએ સુમિતની ખુશી માટે એ પ્રયત્ન કરી પ્રજ્ઞાના પરિવારવાળાઓને મળી સમજાવી જોવાનું નક્કી કર્યું. એક સાંજે તેમણે પ્રજ્ઞાના પરિવારવાળાઓને સગાઈ માટે જરૂરી વાત કરવી છે તેમ કહી પોતાના ઘરે બોલાવાયા.
પ્રજ્ઞા, તેના મમ્મી, તેના પિતા અને તેના દાદી બધા સુમિતના ઘરે આવ્યા. પ્રકાશભાઈ અને તેમની પત્ની રંજનબેને બધાને શાંત ચિત્તે આવકાર આપ્યો અને બેસાડ્યા. તે વખતે સુમિત પણ ઘરે જ હતો. સુમિતને જોઈને પ્રજ્ઞાના મમ્મી કુંદનબેનને સુમીતનો ચહેરો પરિચિત લાગ્યો. આમ તો તે સુમિતના ઘરે પહેલીવાર જ આવ્યા હતા તેમ છતાં તેમણે સુમિતને પહેલા ક્યાંક જોયો હોય તેવું લાગ્યું. તેમણે એ વાત ઉપર બહુ ધ્યાન ન આપ્યું. સુમિતના મમ્મી-પપ્પાની મન:સ્થિતિ પ્રજ્ઞાની મમ્મી કુંદનબેનથી છાની ના રહી. તેમણે તરત જ પૂછ્યું, “શું વાત છે તમે આમ ચિંતામાં કેમ દેખાવો છો ? બધું ઠીક-ઠાક તો છે ને ? સુમિતના પિતાએ સુમિતના માતા તરફ નજર નાંખી પછી કુંદનબેન સામે ફરીને કહ્યું, “વાત ક્યાંથી શરું કરવી તે અમને સમજાતું નથી. પણ અમે કોઈ વાત તમારાથી છુપાવવા માંગતા નથી. એટલા માટે જ અમે તમને અહીં બોલાવ્યા છે.” બધા પ્રશ્નભરી નજરે વિકાસભાઈ તરફ જોઈ રહ્યા. તેમણે રંજનબેનની પ્રેગ્નેન્સીથી લઈને સુમિતના જન્મ સુધીની બધી જ સત્ય હકીકત બધાને કહી સંભળાવી. આ સંભાળીને બધાના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. પણ કુંદનના તો હોશ-કોશ જ ઉડી ગયા. વિકાસભાઈએ આગળ ચલાવ્યું, “એકમાત્ર સુમિત અને પ્રજ્ઞાની ખુશી માટે અમે આ સગાઈ કરવા માંગીએ છીએ જો તમને વાંધો ન હોય તો. હવે નિર્ણય તમારા હાથમાં છે.” આખી વાત સાંભળી લીધા પછી પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈએ પ્રજ્ઞા તરફ નજર કરી અને કહ્યું, “દીકરી આ તારી જિંદગીનો નિર્ણય છે માટે તું જ જવાબ આપ.” પ્રજ્ઞાના દાદી વચમાં જ બોલી ઉઠ્યા, “પ્રજ્ઞા શું જવાબ આપે તેનો જવાબ હું આપું છું. સુમિત ભલે તમારો સગો દીકરો ન હોય પણ એને સંસ્કાર આપીને મોટો તો તમે જ કર્યો છે ને. અમને એના જન્મ કે કુળ સાથે નહી પણ તેના સંસ્કાર અને ગુણો સાથે મતલબ છે. અને મારી પ્રજ્ઞા આવા સંસ્કારી છોકરા માટે ક્યારેય ના નહી પાડે. મને જો આવી પહેલા ખબર હોત તો જન્મકુંડળી માંગીને તમને દુખ ના પહોંચાડત. બોલ પ્રજ્ઞા તારે શું કહેવું છે ?” પ્રજ્ઞાએ જવાબ આપ્યો, “મેં સુમિતને સાચા દિલથી પ્રેમ કર્યો છે અને તેની સાથે જ જીંદગી જીવવા માંગું છું.” પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈ એ પણ કહ્યું, “ અમને આ સબંધ સામે કોઈ વાંધો નથી. અમારી દીકરીની ખુશીમાં જ અમારી ખુશી છે. પ્રકાશભાઈ એ વાત પૂરી કરી એટલામાં તો અત્યારે સુધી શાંત બેઠેલી પ્રજ્ઞાની મમ્મી કુંદન એકદમ ઊભી થઇ ગઈ. “તમને બધાને આ સબંધ ભલે મંજુર હોય પણ મને આ સબંધ સહેજ પણ મંજુર નથી.” બધા ફાટી નજરે કુંદન સામે જોઈ રહ્યા. તેનું બોલવાનું હજી ચાલુ જ હતું, “ભલે જન્મ કુંડળી ન હોત પણ સુમિત ખરેખર તમારો જ દીકરો હોત તો હું આ સબંધ સામે ક્યારેય વાંધો ન ઉઠાવત. પણ જેની નાત-જાતની આપણને ખબર નથી તેવા કોઈના પાપના પરિણામ સાથે હું મારી દીકરીનો સબંધ ક્યારેય નહી કરું.” આટલું બોલી કુંદન બધાને ત્યાંજ મુકીને એકલી જ ત્યાંથી નીકળી ગઈ. પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈ એ વિકાસભાઈને કહ્યું, “તમે ચિંતા ના કરો કુંદનને અમે સમજાવી લઈશુ.” એમ કહી એ લોકો પણ ત્યાંથી નીકળી ગયા. સુમિતનો પરિવાર દુખી થયો.
પ્રજ્ઞાનો પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે કુંદન ગુસ્સે ભરાઈ સોફા પર બેઠી હતી. પ્રકાશભાઈએ તેના ખભા પર હાથ મૂકી તેણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. “કુંદન તને શું થયું છે, તું આમ ગાંડા જેવું વર્તન કેમ કરે છે.” કુંદને ગુસ્સામાં જ જવાબ આપ્યો, “ હા હું ગાંડી થઇ ગઈ છુ પણ એ અનાથ છોકરા સાથે મારી દીકરીની સગાઇ ક્યારેય નહી થવા દઉં.” પ્રકાશભાઈ એ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, “કુંદન સુમિત અનાથ નથી વિકાસભાઈ અને રંજનબેન જેવા સંસ્કારી મા-બાપે તેનો ઉછેર કર્યો છે. અને આપની પ્રજ્ઞા પણ તેને જ ચાહે છે. તું આપણી પ્રજ્ઞાની ખુશીનો તો વિચાર કર. તું મા બનીને તેની દુશ્મન શું કામ બને છે.” કુંદન કંઈ સમજવા તૈયાર ન હતી. તેણે વળતો જવાબ આપ્યો, “ હા હું દુશ્મન છું પ્રજ્ઞાની અને તમારી બધાની. પણ હું કોઈ પણ ભાગે પ્રજ્ઞાની સગાઇ તે લાવારીસ છોકરા સાથે નહી થવા દઉં.” કુંદનના આવા શબ્દો સાંભળી પ્રજ્ઞા રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. પ્રજ્ઞાને રડતી જોઈને પ્રકાશભાઈને વધુ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, તું ગમે તે કર કુંદન. પણ હું તારું ધાર્યું નહી થાવ દઉં. હું એજ જ કરીશ જેમાં મારી દીકરીની ખુશી હશે. તારી વાતની મને કોઈ પડી નથી.” “ હું પણ મરી જઈશ પણ પ્રજ્ઞાની સગાઇ એ છોકરા સાથે નહી જ થવા દઉં.” કુંદન હજી માનવા તૈયાર ન હતી. છેવટે ઝઘડો શાંત કરવા પ્રકાશભાઈ ઘરની બહાર ચાલ્યા ગયા.
આ વાત ને ત્રણ ચાર દિવસ થઇ ગયા. પ્રકાશભાઈએ કુંદનને સમજાવવાના ખુબ પ્રયત્ન કર્યા પણ તે માનવા તૈયાર ન હતી. પ્રકાશભાઈ પણ સુમિત સાથે જ પ્રજ્ઞાની સગાઈ કરવાની વાતમાં મક્કમ હતા. કુંદનને પોતાની હાર થતી દેખાતી હતી.
આજે પ્રજ્ઞા કોલેજ ગઈ હતી. તેના દાદી મંદિર ગયા હતા. પ્રકાશભાઈ પણ બહાર ગયેલા હતા. ઘરમાં કુંદન એકલી જ હતી. તેનું મન ચકડોળે ચઢ્યું હતું. તેને દુનિયા ઝેર લાગવા લાગી હતી. પોતાની ધારી વાત ન બનતા તે વ્યાકુળ બની હતી. પણ તેણે નક્કી કર્યું કે હું ગમે તેમ કરીશ પણ પ્રજ્ઞા અને સુમિતની સગાઈ નહી થવા દઉં. થોડો સમય પસાર થયો. બહાર ગયેલા પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈ ઘરે પાછા આવ્યા. તેમણે જોયું તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે દરવાજો ખખડાવ્યો. ઘણીવાર થઇ પણ દરવાજો ખુલ્યો નહી. પ્રકાશભાઈને નવાઈ લાગી તેમણે વારંવાર દરવાજો ખખડાવ્યો પણ હજી દરવાજો ખુલ્યો નહી. તેમણે કુંદનના નામથી ટહુકા પણ પડ્યા. પણ કોઈ જવાબ મળ્યો નહી. પ્રકાશભાઈએ જોયું કે ઘરની એક બારી ખુલ્લી હતી. પ્રકાશભાઈએ દરવાજાની બાજુની બારીમાંથી ઘરમાં નજર નાંખી. રૂમની અંદર નજર પડતાં જ તેમની આંખો ફાટી ગઈ. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓં નહીં…..કુંદન નહી….. ખી બુમો પાડી રડવા લાગ્યા. તેમનો રડવાનો અવાજ સાંભળીને આજુબાજુના પડોશીઓ દોડી આવ્યા. તેમણે પણ બારીમાંથી અંદર નજર નાંખી તો તેમની આંખો પણ ફાટી ગઈ. કુંદને રૂમમાં પંખાના હુક સાથે સાડીનો છેડો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેણે આત્મહત્યા કરી લીધી હતી. ભેગા મળેલા લોકોએ દરવાજો તોડી કુંદનની લાશને નીચે ઉતારી. એટલામાં પોલીસ પણ આવી. પ્રજ્ઞા અને તેના દાદી પણ ઘરે આવ્યા. તેઓ પણ આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા. આખા ઘરનું વાતાવરણ ભેંકાર બની ગયું. પ્રજ્ઞાના પરિવારજનોના રુદનથી સોસાયટીમાં હાહાકાર મચી ગયો.
એટલામાં સુમિતનો પરિવાર પણ આ સમાચાર સંભાળીને આવી પહોંચ્યો. પોલીસે લાશની તપાસ કરી તો કુંદનની સાડીના છેડામાંથી એક ચિઠ્ઠી મળી. પોલીસ ઇન્સ્પેકટરે ચિઠ્ઠી લીધી. પ્રજ્ઞાના પરિવારજનોને એક બાજુના રૂમમાં બોલાવ્યા. બીજા લોકોને બહાર જ રાખ્યા. તેમણે ચિઠ્ઠી વાંચવા માંડી. ચીઠ્ઠીનું લખાણ આ મુજબ હતું……
“હું કુંદન મારી પૂરી સભાન અવસ્થામાં આ ચિઠ્ઠી લખું છું. મારી આત્મહત્યા પાછળ કોઈનો દોષ નથી. મારી આત્મહત્યા માટે હું જ જવાબદાર છું. મને મારા જ પાપની સજા મળી છે. પણ મેં કરેલા પાપની સજા મારા સંતાનો ન ભોગવે માટે મેં આ પગલું ભર્યું છે. આ ચિઠ્ઠી ધ્વારા હું બધાને એક વાત કહેવા માંગું છું. જે મેં આજ સુધી બધાથી છુપવીને રાખી છે. અને આ વાત હું મારા જીવતા-જીવ ક્યારેય ન કરી શકત. મારી આત્મહત્યા પાછળનું સાચું કારણ આ છે…….
“”મારા માતા પિતાને બોલાવીને પુછજો. આજથી વીસ વરસ પહેલા હું મારા માતા પિતાના ઘરેથી રિસાઈને ચાલી ગઈ હતી. એની પાછળ મારી એક મજબુરી હતી. મેં આજ સુધી એ વાત કોઈને કરી નથી, કે હું શા માટે ઘર છોડીને સાત મહિના માટે ચાલી ગઈ હતી. એ વખતે હું નવગુજરાત કોલેજમાં ભણતી હતી. ત્યારે મારી સાથે અરૂણ નામનો એક છોકરો ભણતો હતો. તેનું વતન મહેસાણા હતું પણ તે અમદાવાદની એક ખાનગી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. અમારી વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. અમે લગ્ન પણ કરવાના હતા. અરૂણ ક્હેતો કે તે વેકેશનમાં ઘરે જઈને પોતાના મા-બાપને અમારા પ્રેમ વિષે વાત કરશે અને લગ્ન કરવા મનાવી લેશે. આ દરમ્યાન અમે અવર-નવાર ફરવા જતા. આ સમય દરમ્યાન અમે શારીરિક છૂટ-છાટ પણ લેતા. એમાં અમારાથી એક ભૂલ થઇ ગઈ અને મને પ્રેગ્નેન્સી રહી. મેં આ વાતની જાણ અરુણને કરી. તેણે મને કહ્યું કે તે આજે જ મહેસાણા જઈને પોતાના મા-બાપ સાથે વાત કરી અમારા ઘડિયા લગ્ન કરવવાનો પ્રયત્ન કરશે. અરૂણ મહેસાણા ગયો. હું અહીં તેના પાછા આવવાની રાહ જોયી રહી હતી. અઠવાડિયા જેટલો સમય પસાર થયો પણ અરૂણ પાછો આવ્યો નહી. ત્યારે એક દિવસ મેં હિંમત કરીને એના ઘરના નંબર પર ફોન કર્યો. ફોન તેની બહેને ઉપાડ્યો. મેં અરૂણ વિષે પૂછ્યું ત્યારે સામેથી મને જે જવાબ મળ્યો તે સાંભળી મારું કાળજું ફાટી ગયું. તેની બહેને કહ્યું કે અરૂણ અઠવાડિયા પહેલા અમદાવાદથી ઘરે આવતો હતો ત્યારે તેની બસનો ટ્રક સાથે અકસ્માત થયો, આ અકસ્માતમાં અરુણનું મૃત્યુ થયું. મેં ફોન મૂકી દીધો. મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. મારી પરિસ્થિતિની જાણ મારી સાથે ભણતી મારી બહેનપણી વર્ષાને થઇ. તેણે મને હિંમત આપી અને કહ્યું, “આપણે કોઈ સારા ડોક્ટર પાસે જઇ તારું અબોશન કરાવી નાંખીશું.” અમે દુનિયાથી સંતાતા ફરતા એક ખાનગી દવાખાનામાં એબોશન માટે ગયા. પણ મારું ખરાબ નસીબ અહીં પણ મારો પીછો છોડતું ન હતું. ત્યાના ડોક્ટરે મારું ચેકઅપ કર્યું અને કહ્યું, “તમારી શારીરિક પરિસ્થિતિ એ મુજબની છે કે તમે આજે એબોશન કરાવશો તો ભવિષ્યમાં ફરી ક્યારેય માતા બની શકશો નહી.” આ સાંભળી મારા પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો. પણ વર્ષાએ મને હિંમત આપી અને એબોશન ન કરાવવા સમજાવ્યું. તેણે મને કહ્યું કે, “તું તારા ભવિષ્ય પર જોખમા ના લઈશ. તને બે મહિના થઇ ગયા છે હવે બાકીના સાત મહિના ગમે તેમ કરી કાઢી આ બાળકને જન્મ આપ. પછી આપણે તેનાથી છૂટવાનો રસ્તો શોધી કાઢીશું.” વર્ષાના પ્લાન મુજબ મેં ઘરે મારા મા-બાપ સાથે ખોટા કારણો બનાવીને ઝઘડા શરું કર્યા અને એ બહાને રિસાઈને એક દિવસ ઘર છોડીને ભાગી ગઈ. વર્ષા તેના અમદાવાદ ખાતેના ઘરે એકલી જ રહેતી હતી. તેનો પરિવાર સુરતમાં રહેતો હતો. એટલે દુનિયાથી મારું પેટ છુપાવીને સાત મહિના સુધી હું વર્ષના ઘરમાં જ સંતાઈ રહી. મારી પ્રસુતિનો સમય નજીક આવતા વર્ષાએ એ ખાનગી હોસ્પિટલમાં બોઘસ નામથી મારું રજીસ્ટ્રેશન કરાવી લીધું. પ્રસુતિના સમયે હું તે હોસ્પિટલમાં દાખલ થઇ. ત્યાં મેં એક દીકરાને જન્મ આપ્યો. અને તેના બે કલાક બાદ જ તે બાળકને ત્યજીને અમે નાસી ગયા. ત્યાંથી આવ્યા બાદ મેં મારા મા-બાપને ફોન કરી ઘર છોડવાની ભૂલ કરવા બદલ માફી માંગી. તેમણે મને માફ કરી અને ઘરે પછી આવી જવા કહ્યું. મારી તકલીફોનો અંત આવ્યો અને હું મારા મા-બાપના ઘરે પછી ફરી.
મને લાગ્યું કે મેં મારું પાપ છુપાવી દીધું. પણ આજે સમજાયું કે પાપ ક્યારેય છુપતું નથી. તે છાપરે ચઢીને પોકારે જ છે. અને આજે મેં ભૂતકાળમાં કરેલું પાપ મારા વર્તમાનમાં સુમિત બનીને મારી સામે આવ્યું. હા સુમિત જ મારો ત્યજી દીધેલો પુત્ર છે. મારી દશા તો મહાભારતની કુંતી કરતાં પણ ભૂંડી થઇ. આજે મારો જ પુત્ર સુમિત અને મારી જ પુત્રી અને તેની બહેન પ્રજ્ઞા એક-બીજાના જીવનસાથી બનવા જઇ રહ્યા છે. નૈતિકતાની રાહે પ્રજ્ઞા અને સુમિત એક જ માતાની કુખેથી જન્મેલા ભાઈ-બહેન છે. આજે બધું જાણતી હોઈને પણ બે ભાઈ-બહેનના લગ્ન કરાવવાનું પાપ હું કેવી રીતે કરું. હું મારું ભૂતકાળનું એક પાપ છુપાવવા વર્તમાનમાં બીજું પાપ કરવા માંગતી ન હતી. અને મારા જીવતા જીવ આ વાત કોઈને કરી શકું તેમ પણ ન હતી. માટે ભાગવાનની ખાતર થઈને મારી જીંદગી તો બગડી પણ મારું મોત ના બગાડશો. જો મારા જિંદગીના બલિદાન થી આ પાપ થતું અટકશે તો હું મારા મૃત્યુને સાર્થક માનીશ.
બેટા સુમિત મને માફ કરજે. પ્રજ્ઞા તારી નાની બહેન છે એ વિચાર કરજે. પ્રજ્ઞાના પપ્પા હું તમારી માફીને લાયક તો નથી પણ શક્ય બને તો મને માફ કરજો.””
લિ…
કુંદન.
સમાપ્ત.
”શ્રીપતિ”
=વિષ્ણુ દેસાઈ